Inhalers A-Z

ઇન્હેલર: ભ્રમણાઓ અને હકીકતો

વિશ્વમાં મોટાભાગના લોકોએ ઇન્હેલર્સને શ્વસનની સમસ્યાઓની સારવાર કરવા માટેની સૌથી અસરકારક પદ્ધતિ તરીકે સ્વીકાર કર્યો છે ત્યારે આ સાધનો બાબતે હજીયે ઘણી ભ્રમણાઓ પ્રવર્તે છે. આનું કારણ એ ભ્રમણાઓ છે કે કેટલાક લોકોને ઘણી વખત થોડી ચિંતા રહેતી હોય છે, જ્યારે તેમને કહેવામાં આવે કે તેમના માટે ઇન્હેલેશન ચિકિત્સા શ્રેષ્ઠ છે. જોકે, ઇન્હેલર્સનો ઉપયોગ કરવો સલામત અને અસરકારક છે તેથી તમે કોઈ ચિંતા વિના તેમનો ઉપયોગ ચાલુ રાખી શકો છો.

આ કેટલીક સામાન્ય ભ્રમણાઓ છે જે ઇન્હેલર બાબતે લોકોને હોય છે:

ભ્રમણા #1 - ઇન્હેલર્સનું વ્યસન થઈ જાય છે.

એક સામાન્ય માન્યતા છતાં ઇન્હેલર્સનો નિયમિતપણે ઉપયોગ કરવાનો અર્થ એ નથી કે વ્યક્તિને તેનું વ્યસન થશે. ઇન્હેલર્સમાં વપરાતી દવાની કોઈ આદત પડતી નથી. દવા વહેલી બંધ કરવાથી લક્ષણો પાછાં દેખાઈ શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો અસ્થમા અને સીઓપીડી જેવી શ્વસનની સમસ્યાઓની સારવાર કરવા માટે ઇન્હેલર્સ જરૂરી છે અને તેનું વ્યસન થતું નથી. ઇન્હેલર્સનો ઉપયોગ તમારા ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવ્યું હોય તે પ્રમાણે જ કરવો જોઈએ.

ભ્રમણા #2 - ઇન્હેલર્સનો ઉપયોગ કરવાથી બાળકનો વિકાસ કુંઠિત થઈ જાય છે.

ઇન્હેલર્સ સાથે જોડાયેલી આ એક વ્યાપક માન્યતા છે. ઇન્હેલર્સની આડઅસરો નગણ્ય હોય છે, કારણ કે દવાઓ બહુ જ ઓછા ડોઝમાં ફેફસાં સુધી પહોંચે છે. હકીકતમાં જ્યારે નિયમિતપણે લેવામાં આવે અને સૂચવેલા ડોઝમાં લેવામાં આવે ત્યારે ઇન્હેલર્સ શ્વસનની સમસ્યાઓની સારવારમાં ઉપયોગ માટેની સૌથી સલામત દવા ગણાય છે. પ્રચલિત માન્યતાથી વિપરીત, પોતાની શ્વસનની સમસ્યાના ઉપચાર માટે જે બાળકોએ નિયમિતપણે ઇન્હેલર્સનો ઉપયોગ કર્યો હોય તેઓ પુખ્ત વયની સામાન્ય વ્યક્તિ જેટલી જ ઊંચાઈ પામે છે.

ભ્રમણા #3 - શ્વાસમાં લેવાતાં સ્ટિરોઇડ્ઝ નુકસાનકારક છે

જ્યારે તમે ઇન્હેલરનો ઉપયોગ કરો ત્યારે દવા જ્યાં સમસ્યા હોય એ ભાગમાં એટલે કે ફેફસાંમાં જ પહોંચે છે. તેથી, ઇન્હેલર દ્વારા ફેફસાં સુધી પહોંચતી દવાનું પ્રમાણ બહુ ઓછું હોય છે. આવાં નાનાં પ્રમાણથી કોઈ નુકસાન થતું નથી. બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓ સહિત દરેક વ્યક્તિ સલામત રીતે ઇન્હેલર્સ લઈ શકે છે. વધુમાં, ઇન્હેલર દવામાં જે પ્રકારના સ્ટિરોઇડનો ઉપયોગ થાય છે તે રમતવીરો અને પહેલવાનો પોતાના પ્રદર્શનને સુધારવા માટે જે સ્ટિરોઇડ વાપરે છે તેના જેવું હોતું નથી. આમ, ઇન્હેલર્સને કારણે તમને કોઈ પણ પ્રકારની આડઅસર થવાની સંભાવના લગભગ શૂન્ય છે. હકીકતમાં તમારા ઇન્હેલરનો ઉપયોગ ન કરવાની સરખામણીએ નિયમિતપણે ઉપયોગ કરવાથી તમને કોઈ નુકસાન પહોંચવાની શક્યતા બહુ ઓછી છે.

ભ્રમણા # 4 - ઇન્હેલર્સ એ છેલ્લો વિકલ્પ છે

અસ્થમા અને સીઓપીડી જેવી શ્વસનની સમસ્યાઓની સારવાર કરવાની દવા તરીકે ઇન્હેલર્સ એ છેલ્લો નહિ, પરંતુ પ્રથમ વિકલ્પ છે. સમગ્ર વિશ્વમાં ઇન્હેલર્સ એ શ્વસનની મોટાભાગની સમસ્યાઓની સારવાર કરવા માટેનો સૌથી અસરકારક, સલામત અને સગવડદાયક માર્ગ છે. ઇન્હેલર્સને કારણે દવાઓ ફેફસાં અને હવામાર્ગો જેવાં સમસ્યારૂપ અંગો સુધી સીધી પહોંચી શકે છે અને તાત્કાલિક તથા લાંબા ગાળાની રાહત પૂરી પાડે છે. ઇન્હેલેશન થેરપિ એ અસ્થમા અને સીઓપીડી જેવી તમારી શ્વસનની સમસ્યાઓની સારવાર કરવા માટેની સૌથી અસરકારક પદ્ધતિ છે, જેથી તમે એ બધી જ પ્રવૃત્તિઓ કરી શકો છો જે તમને ગમે અને જેમાં તમને આનંદ આવે અને કોઈ ચિંતા વિના સામાન્ય સક્રિય જીવન જીવી શકો છો.